Sunday, January 31, 2021

સ્કોટલેન્ડ, સુરત અને સ્તંભ !

    64 પોર્ટ ડુંદાસ, ગ્લાસગો, સ્કોટલેન્ડના સરનામે ઈ.સ. 1858 માં જ્યોર્જ સ્મિથ નામક વ્યક્તિએ એક લુહારીકામનું કારખાનુ શરુ કર્યું હતુ. જે 'સન ફાઉન્ડ્રી' ના નામે પણ ઓળખાતું. એમાં કળાત્મક લોખંડના દરવાજા, રેલિંગ્સ, બૅન્ડસ્ટેન્ડ (ચોતરો) અને એમની ખાસ ઓળખાણ ગણાતા નક્શીકામવાળા ફુવારા બનાવવામાં આવતા. મૂળમાલિકના નામે આ કારખાનું ઈ.સ. 1899 સુધી કાર્યરત રહ્યું. અને આ સમયગાળા દરમિયાન એમના કળાત્મક નમૂનાઓ દેશદેશાવરમાં પ્રચલિત થઈ ગયા હતા અને અનેક જાણીતી જગ્યાઓને શોભાયમાન કરી રહ્યા હતા. પેસલી, બ્રિજટન, ડોર્નોચ અને ન્યુક્રેઇગલ જેવા સ્કોટલેન્ડના અનેક વિસ્તારોમાં આવેલા બગીચાઓ, કબ્રસ્તાનો અને અન્ય જાહેર સ્થળોએ એમના પીવાના પાણીના ફુવારા, ચોતરાઓ, ક્લોક ટાવર, સ્તંભો, લેમ્પ પોસ્ટ્સ અને દરવાજાઓ મુકવામાં આવ્યા હતા.

પોર્ટ ડુંદાસ, ગ્લાસગો (સૌજન્ય: વિકિપીડિયા)

*


*

*


    આ બાજુ ઈ.સ 1616 માં સુરતમાં પોતાની પહેલી ટ્રેડ પોસ્ટ ખોલનારા અને ઈ.સ 1825 સુધી વેપાર ચલાવનારા ડચ લોકોએ બનાવેલ ડચ ગાર્ડન.જે આમ તો વ્યવસાયિક હેતુસર સુરત આવેલા ડચ અધિકારીઓને શ્રધ્ધાંજલી આપવા માટે બનાવવામાં આવેલ એવું માનવામાં આવે છે. જે હવે દયાળજી બાગ તરીકે ઓળખાય છે. જ્યાં લોકો વૉક કરવા અને નદી કિનારાનું દશ્ય માણવા આવતા હોય છે. ત્યાં નીચે ફોટામાં દેખાય છે એવા લેમ્પ પોસ્ટ્સ હજી મોજુદ છે.

દયાળજી બાગ (ડચ ગાર્ડન), સુરતમાં આવેલ લેમ્પ પોસ્ટ..


.. અને એના ઉપર કોતરેલ કંપનીનું નામ 'GEORGE SMITH & CO.'



અને આ લેમ્પ પોસ્ટ્સ પર લખેલ નામ એ સૂચવે છે કે એ પણ પેલી ગ્લાસગોમાં આવેલ 'સન ફાઉન્ડ્રી' (કે પછી 'GEORGE SMITH & CO.') ની પ્રોડક્ટ છે ! હવે પછી બાગમાં જાવ તો આ કમસે કમ એકાદ સદી જુના સ્તંભને જોવાનું ચુકતા નહિ. :-)

* વાળી તમામ તસ્વીરો 'SUN FOUNDRY' ના કળાત્મક નમુનાઓની એક ઝલક દર્શાવે છે. સૌજન્ય અને વધુ જોવા માટે: https://memorialdrinkingfountains.wordpress.com/category/sun-foundry/page/9/