Wednesday, March 1, 2017

મધ્ય ગુજરાત ના પક્ષીઓ : ભાગ ૩ : ટીટોડી

અંગ્રેજી નામ : Red Wattled Lapwing
શાસ્ત્રીય નામ : Vanellus indicus
ગુજરાતી નામ : ટીટોડી


    જયારે અમે આ ફોટાઓ લઇ રહ્યા હતા ત્યારે આ પક્ષીના નામ વિશે કઈ જ ખબર નહોતી. પછી જ્યારે ધ્યાનથી અવાજ સાંભળ્યો , ત્યારે થયું કે શું આ જ ટીટોડી નાં નામે ઓળખાતું પક્ષી હશે ? જોવા જેવી વાત એ છે કે ટીટોડી નાં નામથી આમ તો આપણે  બધા જ પરિચિત છીએ. હા, પેલા દર ચોમાસા પહેલાના છાપાઓમાં આવતા અહેવાલોના કારણે જ તો . જો કે આ અહેવાલોમાં ટીટોડીના ઈંડાની વાતો જ હોય છે અને એ ઈંડાની સ્થિતિ પ્રમાણે કરવામાં આવતી ભવિષ્યવાણી , કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે. જો આ લોકો ઈંડાની સાથો સાથ આ પક્ષીનો ફોટો પણ છાપતા હોત તો આપણે આ રાખોડી અને સફેદ રંગના પક્ષીના રંગરૂપ થી પણ પરિચિત હોત.



   ખેર, ઈંડાને લગતી માન્યતાઓ પણ ઘણી છે.જેમ કે એક માન્યતા અનુસાર જો ટીટોડી ઊંચાણ વાળી જગ્યા એ ઈંડા મુકે તો ચોમાસું સારું અને જો નીચાણ વાળા પ્રદેશમાં મુકે તો ચોમાસું ખરાબ જવાના એધાણ છે એમ સમજવું. બીજી એક માન્યતા ઈંડાની પોઝીશનને લઈને છે, કે જો ટીટોડી ઉભા ઈંડા મુકે તો ચોમાસામાં મેધરાજાની મહેર સારી રહે અને જો આડા ઈંડા મુકે તો મેઘરાજા રીસાણા.




    હવે મૂળ વાત, આ પક્ષીનું કદ ૧૫ થી ૧૬ ઇંચ જેટલું હોય છે. નર અને માદા દેખાવે સરખા જ હોય છે.ચાંચ અને આંખ ની ઉપર લાલ રંગ, માથાની ઉપર અને નીચે કાળા રંગનો પટ્ટો અને એની વચ્ચે સફેદ રંગનો પટ્ટો હોય છે.પાંખો રાખોડી રંગની જ્યારે પાતળા અને બીજા પક્ષીઓના પ્રમાણમાં લાંબા એવા પગ પીળા રંગના હોય છે. નર અને માદામાં ફક્ત એક તફાવત એ કે, નરની પાંખો માદા કરતા ૫% જેટલી લાંબી હોય છે.






    ટીટોડી નાં ખોરાકમાં પણ મુખ્યત્વે કીડી-મંકોડા જ છે અને એવું પણ માનવામાં આવે છે કે એ દિવસની સાથોસાથ રાત્રીના સમયે ખોરાક માટે નીકળે છે અને પૂર્ણિમાના દિવસો દરમિયાન વધુ ગતિશીલ હોય છે.
  
    ટીટોડી આમ તો ધીમી ગતિ એ ચાલતું અને ઉડતું પક્ષી છે . પરતું જ્યારે ખુદ ને બાઝ્ જેવા પક્ષીઓના હુમલાથી બચાવવાનું હોય ત્યારે ખુબ ચપળતા બતાવતું હોય છે. અને દિવસ હોય કે રાત, એ સૌથી સાવધ રહેતું પક્ષી પણ છે અને એથી જ ઘુસણખોરોને સૌથી પહેલા ઓળખી કાઢે છે અને ચીચીયારો કરી ને અવાજ રૂપી અલાર્મ પણ વગાડે છે.અને એટલે જ શિકારીઓ આ પક્ષીને ન્યુસન્સ માનતા હોય છે.

   ઈંડાનું સંવનન નર અને માદા બંને કરે છે. અને ઈંડા નો રંગ પણ આછો કથથઈ, જમીન ના રંગ જેવો, અને આથી જ આ પક્ષી માળો નથી બનાવતું. ઈંડાની સંખ્યા ૩ થી ૪ હોય છે અને ૨૪ થી ૩૦ દિવસમાં ઈંડાનું સંવનન પૂર્ણ થાય છે. અને બીજા lapwings પક્ષીઓની જેમ જ પોતાના પીંછામાં પાણી ભરીને પોતાના બચ્ચાને પીવડાવે છે અથવા ગરમી વધુ હોય ત્યારે ઈંડા પાસે ઠંડક જાળવવા માટે પણ પાણીનો ઉપયોગ કરે છે.


    ટીટોડી તળાવો, ખેડાયેલા ખેતરો તથા ખુલ્લા મેદાનોમાં જોવા મળે છે.પાણીમાં નહાવાનું એમને પસંદ છે. મોટાભાગનો સમય જમીન પર પોતાની ચાંચ વડે પીછા ખોતરવામાં (preening) કે પછી એક પગ પર આરામ ફરમાવામાં વિતાવે છે.
  


@ the end :

ટીટોડી પર અધીર અમદાવાદીનો  હાસ્ય લેખ: "ટીટોડી ઈંડા ક્યાં મૂકે એ એની મુન્સફીનો વિષય છે" :)
------------------------

No comments:

Post a Comment