વિનોદ ભટ્ટ સાહેબ વિષે ઘણાં લેખકોના લેખોમાં વાંચવાનું થતું ત્યારથી અને એમનો પ્રતિલિપિ સાથેનો ઇન્ટરવ્યૂ જોયા પછી, અને ખાસ તો ‘સાહિત્ય ફલક'માં ઉર્વિશ કોઠારીએ 'વિનોદની નજરે' પુસ્તક વિષે વાત કરી ત્યારથી મારે એમનું એ પુસ્તક વાંચવું હતું. હું જ્યારે ક્રોસવર્ડમાં 'વિનોદની નજરે' લેવા ગયો ત્યારે એ ન મળ્યું પણ ત્યાં એમનું ફક્ત એક જ પુસ્તક ઉપલબ્ધ હતું, અને એ હતું -- "વિનોદ ભટ્ટ શ્રેષ્ઠ હાસ્યરચનાઓ" - સંપાદક વિનોદ ભટ્ટ. 'વિનોદની નજરે' ન મળ્યાના દુઃખ અને આ પુસ્તક હાથ લાગી ગયાની ખુશીના મિશ્રભાવ સાથે એ પુસ્તક ખરીદી લીધું. જો કે ત્યારે ખબર ન હતી કે એક ખજાનો શોધવા જતા આ તો અન્ય ઘણાં ખજાનાઓ બતાવતો નકશો હાથ લાગી ગયો છે.
પુસ્તક ખોલતા વેંત જ હાસ્યફુવારાઓ શરૂ થઇ જાય છે. જેમ કે, પુસ્તકમાં લેખોની અનુક્રમણિકા પહેલાના પુસ્તક અર્પણ ના પાનાં પર જ એમણે(વિનોદ ભટ્ટે) એમનાં સંતાનોને આ પુસ્તક અર્પણ કરતા લખ્યું છે કે, "-- પિતાનો આ શબ્દ-વારસો… જેના પર કોઈ વારસાવેરો નથી…" :-). ત્યારપછી તરત આ પુસ્તક વિશે લખતી વખતે તેઓ આ પુસ્તકના નામ વિશે લખે છે કે, "હું જ ઊઠીને મારી કૃતિઓને શ્રેષ્ઠ કહું તે કેવું લાગે? એ વિચારે થોડી મૂંઝવણ થઈ. પણ પછી જાણવા મળ્યું કે આ તો આપણી ઉજ્જવળ પરંપરા છે. અગાઉ મડિયા, પન્નાલાલ, પેટલીકર ને બ્રોકર જેવા અનેક લેખકોએ પોતે જ પોતાની શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન કર્યું છે. શ્રેષ્ઠ વિશેષણ આમ તો સાપેક્ષ છે ને હાસ્યકારને મોટો ફાયદો એ પણ છે કે પોતાની રચનાઓ વિશે તેણે કદાચ રમૂજમાં આવું કહ્યું હશે એમ માનીને લોકો તેને હસવામાં કાઢી શકે."
રઘુવીર ચૌધરીએ એમની પ્રસ્તાવનામાં વિનોદ ભટ્ટની કારકિર્દી અને જીવન વિશે પરિચય આપ્યો છે. અને ત્યારબાદ મધુસૂદન પારેખે 'વિલક્ષણ વિનોદવાણી' એવા મથાળા હેઠળ 11 પાનાંની પ્રસ્તાવનામાં વિનોદ ભટ્ટના કયા પુસ્તકમાંથી કઈ રચનાનો આ પુસ્તકમાં સમાવેશ થયેલ છે અને ટૂંકમાં એ લેખનો પરિચય અને બીજા કેટલાંક કિસ્સા કહાનીઓ પણ ટાંક્યા છે. અને પછી પુસ્તકમાં સમાવાયેલા 40 લેખોની અનુક્રમણિકા અને ફરી 'સાતમી આવૃત્તિ નિમિત્તે' વિનોદ ભટ્ટ લખે છે, "કેટલાંક પુસ્તકોનું નસીબ વિદ્યાર્થીઓના બદનસીબ સાથે જોડાયેલું હોય છે.આ પુસ્તકનુંય એવું થયું હતું. ગુજરાત અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં એફ.વાય.ની કક્ષાએ તેમ જ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ટી.વાય.બી.એ.ના વર્ષમાં આ પુસ્તક પાઠયપુસ્તક લેખે મંજુર કરવામાં આવ્યું હતું. જોકે આમાં, આ પુસ્તક લખવા સિવાયનો કોઈ ગુનો મેં કર્યો નથી. તેમ છતાં લાગતાવળગતા વિધાર્થી મિત્રો માટે એ વખતે મેં મારી પૂરી હમદર્દી જાહેર કરી હતી. આવતીકાલની કોને ખબર છે, કાલે ઊઠીને આ પુસ્તકની આઠમી આવૃત્તિ પણ બહાર પડે, એ વખતેય પાછું કશુંક લખવું પડશે એટલે અત્યારે અહીં અટકું છું. (તા. 10 નવે., 2000) - વિનોદ ભટ્ટ) :-)
પુસ્તકમાં સમાવાયેલ લેખો એમના અગાઉ પ્રકાશિત પુસ્તકો 'વિનોદની નજરે', 'અને હવે ઇતિ-હાસ', 'ઈદમ્ તૃતીયમ્', 'ઈદમ્ ચતુર્થમ્', 'સુનો ભાઈ સાધુ', 'વિનોદ ભટ્ટના પ્રેમપત્રો', 'આંખ આડા કાન' અને 'ગ્રંથની ગડબડ'માંથી લેવામાં આવ્યા છે.
આમ તો દરેક લેખની પોતાની મસ્તી છે, પણ મને 'પ્રતિક્રિયા', 'એક ક્રિકેટરનો પ્રેમપત્ર' અને 'તમારે ઘરઘાટી જોઈએ છે?' ખુબ ગમ્યા. 'પ્રતિક્રિયા'તો ખુબ જ ટૂંકો છતાં મામર્મિક લેખ છે, પુસ્તકની પ્રસાદીરૂપ અહીં નીચે રજૂ કર્યો છે,
****
તે મિત્રે મને દ્રાવણની શીશી આપતાં જણાવ્યું, 'જો આ એક ચમત્કારિક પ્રવાહી છે. કોઈ જડ પદાર્થ પર તું તેનાં થોડાંક ટીપાં રેડે એટલે એ પદાર્થમાં ચેતન આવી જાય. કોઈ સ્ટેચ્યુના ડાબા કાનમાં ફક્ત ત્રણ જ ટીપાં નાખીશ તો એ સ્ટેચ્યુમાં પ્રાણ આવી જશે...'
'આવું તે કાંઈ હોતું હશે!' એવી શંકા સાથે તેણે આપેલી શીશી મેં લીધી.
આ પ્રવાહીનો પ્રયોગ કોના પર કરું? -- મન વિશારમાં પડી ગયું.
અમદાવાદના આશ્રમ રોડ પર, ઇન્કમટેક્સ ટ્રાફિક સર્કલ પાસે લાકડી લઈને ઊભેલા ગાંધીજી પર આ પ્રયોગ કર્યો હોય તો? આમેય ઘણા લોકોએ તેમના પર દુઘસ્નાન ને રક્તતિલકના પ્રયોગો અગાઉ કરેલા છે -- એક વધારે.
ને તેમના ડાબા કાનમાં ડ્રોપર વડે મેં પેલા પ્રવાહીનાં ત્રણ ટીપાં નાખ્યાં. ત્યાં જ એ પ્રવાહીના ચમત્કારથી ગાંધીબાપુના બાવલામાં જીવ આવ્યો.
વર્ષોથી એક જ પોઝિશનમાં ઊભા રહેવાને કારણે અકળાઈ ગયેલું શરીર છૂટું કરતાં તેમણે આળસ મરડી હાથ લાંબા-ટૂંકા કરવા જતાં તેમના હાથમાંની લાકડી નીચે પડી ગઈ. એ લાકડી ઊંચકી તેમના હાથમાં મૂકતાં મેં કહ્યું, 'બાપુ, લો તમારી આ લાકડી...'
'હવે લાકડી નહીં, બંદૂક લાવ...' બાપુ સખ્ત અવાજે બોલ્યા.
****
આવી જ રીતે 'એક ક્રિકેટરનો પ્રેમપત્ર'માં ક્રિકેટર કેવી રીતે પત્રની શરૂઆત કરે છે એ જુઓ, :)
****
ડિઅર શીલુ,
બે નંબરના બસ-સ્ટોપ પર ક્યાંય સુધી ફિલ્ડિગ ભરતો ઊભો રહ્યો. તું ન આવી એટલે વરસાદ પડ્યા પછીની 'પીચ' જેવો ખરાબ મૂડ લઈને ઘેર આવ્યો અને 'લૉંગ ઓફ'માં ઊભેલા મામાની નજર ચૂકાવીને મામીએ તારો પત્ર મારા હાથમાં મૂક્યો.
મને ડ્રોપ કરીને પેલા સિતાંશુ સાથે તું પરણવા માગે છે એ જાણ્યું. નેટ પ્રેક્ટિસ મારી સાથે ને મૅચ કોઈ બીજા જ સાથે ?
****
'કવિતા અને વિજ્ઞાપન' લેખમાં એમણે જો કવિઓ વિજ્ઞાપનો લખે તો?, એવી કલ્પના કરીને અદ્ભૂત હાસ્યસભર જાહેરાતો લખી છે, અમુક અંશો,
****
'મરીઝ' ગાળીને એમાં જ પી રહ્યા છે શરાબ,
કદી ન પીવાની વાળી'તી જે રૂમાલમાં ગાંઠ...
-- દરેક વેરાયટીના હાથરૂમાલ માટે યાદ રાખો - વિનસ બ્રાન્ડ રૂમાલ.
મેં મારામાં
તારી લાગણીનો મંડપ રોપાવ્યો,
મને શું ખબર કે
તું મંડપ કોન્ટ્રાકટર હોઈશ !
- દિનેશ જેઠવા
-- તમારી આતુરતાનો અંત આણે છે. - વીર માંડવાવાળો
100 ટકા કરમુક્ત ગુજરાતી ચિત્ર,
નહીં જોઈને પસ્તાવા કરતાં જોઈને પસ્તાવાનું રખે ચૂકતા.
અપના ઘર ભી મિલતા જુલતા હૈ ગાલિબકે ઘરસે,
દો ઘંટા બરસાત જો બરસે, છ ઘંટા છત બરસે...
- આદિલ
-- મજબૂત બાંધકામનો આગ્રહ હોય તો શૅક્સ્પિયર હાઉસિંગ કોર્પોરેશનમાં સત્વરે જોડાઈ જાઓ. જૂજ ફ્લૅટો બાકી છે.
****
'કૂતરાથી સાવધાન'માં તેઓ કહે છે,
****
સિંહ કરતાંય વધુ બીક મને કૂતરાની લાગે છે. એક વાર ગીરના જંગલમાં સામી છાતીએ. સિંહથી માત્ર અઢી ફૂટના અંતરે હું ઊભો હતો. જોકે સાથે ભરી બંદૂકે ચોકિયાત ઊભો હતો, પણ એ તો સિંહના રક્ષણ માટે હતો. સિંહને જોઈને મારું રૂંવાડુંય ફરક્યું નહોતું. હા, સિંહ થોડો અસ્વસ્થ જણાતો હતો.
પણ કૂતરાને જોતાં જ મારા મોતિયા મરી જાય છે. મને કૂતરા તરફ છે એટલો જ, કદાચ એથી પણ વધુ અણગમો તેમને મારા તરફ હોવો જોઈએ, કેમ કે મને જોતાં જ કરડી શકતા નથી એ કુતરા ભસવા માંડે છે ને ભસતાં નથી આવડતું એ સીધા કરડવા ધસી આવે છે. એક વાર મેં એક જ્યોતિષ-મિત્રને મારી કુંડળી બતાવી આનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે એને માટે તમારી જ નહિ, શ્વાનની કુંડળી પણ જોવી પડે, કોણ કોને નડે છે એ તો બન્નેના ગ્રહો સાથે જોઈએ ત્યારે જ ખબર પડે.
****
પુસ્તકના બધા લેખોમાં એમની રેન્જ સરસ પકડાઈ છે, તીવ્ર 'વિનોદ'વૃત્તિમાં રસબોળ આ પુસ્તકમાં એમણે વ્યક્તિચિત્રો, કટાક્ષ, સમાજજીવન, માર્મિકતા બધુ આવરી લીધું છે. આ પુસ્તકના ચાખણા પછી તો એમના બાકીના બધા જ પુસ્તકો વાંચવાની ભૂખ વધુ તીવ્ર બની છે. હાસ્યથી હળવાશ મેળવવા માટે જરૂર વાંચવા લાયક.
No comments:
Post a Comment