Wednesday, March 15, 2023

પુસ્તકાનુભાવ: વિનોદ ભટ્ટ શ્રેષ્ઠ હાસ્યરચનાઓ.

    વિનોદ ભટ્ટ સાહેબ વિષે ઘણાં લેખકોના લેખોમાં વાંચવાનું થતું ત્યારથી અને એમનો પ્રતિલિપિ સાથેનો ઇન્ટરવ્યૂ જોયા પછી, અને ખાસ  તો ‘સાહિત્ય ફલક'માં ઉર્વિશ કોઠારીએ 'વિનોદની નજરે' પુસ્તક વિષે વાત કરી ત્યારથી મારે એમનું એ પુસ્તક વાંચવું હતું. હું જ્યારે ક્રોસવર્ડમાં 'વિનોદની નજરે' લેવા ગયો ત્યારે એ ન મળ્યું પણ ત્યાં એમનું ફક્ત એક જ પુસ્તક ઉપલબ્ધ હતું, અને એ હતું -- "વિનોદ ભટ્ટ શ્રેષ્ઠ હાસ્યરચનાઓ" - સંપાદક વિનોદ ભટ્ટ. 'વિનોદની નજરે' ન મળ્યાના દુઃખ અને આ પુસ્તક હાથ લાગી ગયાની ખુશીના મિશ્રભાવ સાથે એ પુસ્તક ખરીદી લીધું. જો કે ત્યારે ખબર ન હતી કે એક ખજાનો શોધવા જતા આ તો અન્ય ઘણાં ખજાનાઓ બતાવતો નકશો હાથ લાગી ગયો છે. 

    પુસ્તક ખોલતા વેંત જ હાસ્યફુવારાઓ શરૂ થઇ જાય છે. જેમ કે, પુસ્તકમાં લેખોની અનુક્રમણિકા પહેલાના પુસ્તક અર્પણ ના પાનાં પર જ એમણે(વિનોદ ભટ્ટે) એમનાં સંતાનોને આ પુસ્તક અર્પણ કરતા લખ્યું છે કે, "-- પિતાનો આ શબ્દ-વારસો… જેના પર કોઈ વારસાવેરો નથી…" :-).  ત્યારપછી તરત આ પુસ્તક વિશે લખતી વખતે તેઓ આ પુસ્તકના નામ વિશે લખે છે કે, "હું જ ઊઠીને મારી કૃતિઓને શ્રેષ્ઠ કહું તે કેવું લાગે? એ વિચારે થોડી મૂંઝવણ થઈ. પણ પછી જાણવા મળ્યું કે આ તો આપણી ઉજ્જવળ પરંપરા છે. અગાઉ મડિયા, પન્નાલાલ, પેટલીકર ને બ્રોકર જેવા અનેક લેખકોએ પોતે જ પોતાની શ્રેષ્ઠ વાર્તાઓનું સંપાદન કર્યું છે. શ્રેષ્ઠ વિશેષણ આમ તો સાપેક્ષ છે ને હાસ્યકારને મોટો ફાયદો એ પણ છે કે પોતાની રચનાઓ વિશે તેણે કદાચ રમૂજમાં આવું કહ્યું હશે એમ માનીને લોકો તેને હસવામાં કાઢી શકે."

    રઘુવીર ચૌધરીએ એમની પ્રસ્તાવનામાં  વિનોદ ભટ્ટની કારકિર્દી અને જીવન વિશે પરિચય આપ્યો છે. અને  ત્યારબાદ મધુસૂદન પારેખે 'વિલક્ષણ વિનોદવાણી' એવા મથાળા હેઠળ 11 પાનાંની પ્રસ્તાવનામાં વિનોદ ભટ્ટના કયા પુસ્તકમાંથી કઈ રચનાનો આ પુસ્તકમાં સમાવેશ થયેલ છે અને ટૂંકમાં એ લેખનો પરિચય અને બીજા કેટલાંક કિસ્સા કહાનીઓ પણ ટાંક્યા છે. અને પછી પુસ્તકમાં સમાવાયેલા 40 લેખોની અનુક્રમણિકા અને ફરી 'સાતમી આવૃત્તિ નિમિત્તે' વિનોદ ભટ્ટ લખે છે, "કેટલાંક પુસ્તકોનું નસીબ વિદ્યાર્થીઓના બદનસીબ સાથે જોડાયેલું હોય છે.આ પુસ્તકનુંય એવું થયું હતું. ગુજરાત અને ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં એફ.વાય.ની કક્ષાએ તેમ જ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ટી.વાય.બી.એ.ના વર્ષમાં આ પુસ્તક પાઠયપુસ્તક લેખે મંજુર કરવામાં આવ્યું હતું. જોકે આમાં, આ   પુસ્તક લખવા સિવાયનો કોઈ ગુનો મેં કર્યો નથી. તેમ છતાં લાગતાવળગતા વિધાર્થી મિત્રો માટે એ વખતે મેં મારી પૂરી હમદર્દી જાહેર કરી હતી. આવતીકાલની કોને ખબર છે, કાલે ઊઠીને આ પુસ્તકની આઠમી આવૃત્તિ પણ બહાર પડે, એ વખતેય પાછું કશુંક લખવું પડશે એટલે અત્યારે અહીં અટકું છું. (તા. 10 નવે., 2000) - વિનોદ ભટ્ટ) :-)

પુસ્તકમાં સમાવાયેલ લેખો એમના અગાઉ પ્રકાશિત પુસ્તકો 'વિનોદની નજરે', 'અને હવે ઇતિ-હાસ', 'ઈદમ્ તૃતીયમ્', 'ઈદમ્ ચતુર્થમ્', 'સુનો ભાઈ સાધુ', 'વિનોદ ભટ્ટના પ્રેમપત્રો', 'આંખ આડા કાન' અને 'ગ્રંથની ગડબડ'માંથી લેવામાં આવ્યા છે. 


   આમ તો દરેક લેખની પોતાની મસ્તી છે, પણ મને 'પ્રતિક્રિયા', 'એક ક્રિકેટરનો પ્રેમપત્ર' અને 'તમારે ઘરઘાટી જોઈએ છે?' ખુબ ગમ્યા. 'પ્રતિક્રિયા'તો ખુબ જ ટૂંકો છતાં મામર્મિક લેખ છે, પુસ્તકની પ્રસાદીરૂપ અહીં નીચે રજૂ કર્યો છે,


****

  તે મિત્રે મને દ્રાવણની શીશી આપતાં જણાવ્યું, 'જો આ એક ચમત્કારિક પ્રવાહી છે. કોઈ જડ પદાર્થ પર તું તેનાં થોડાંક ટીપાં રેડે એટલે એ પદાર્થમાં ચેતન આવી જાય. કોઈ સ્ટેચ્યુના ડાબા કાનમાં ફક્ત ત્રણ જ ટીપાં નાખીશ તો એ સ્ટેચ્યુમાં પ્રાણ આવી જશે...'

  'આવું તે કાંઈ હોતું હશે!' એવી શંકા સાથે તેણે આપેલી શીશી મેં લીધી.

  આ પ્રવાહીનો પ્રયોગ કોના પર કરું? -- મન વિશારમાં પડી ગયું.

  અમદાવાદના આશ્રમ રોડ પર, ઇન્કમટેક્સ ટ્રાફિક સર્કલ પાસે લાકડી લઈને ઊભેલા ગાંધીજી પર આ પ્રયોગ કર્યો હોય તો? આમેય ઘણા લોકોએ તેમના પર દુઘસ્નાન ને રક્તતિલકના પ્રયોગો અગાઉ કરેલા છે -- એક વધારે.

  ને તેમના ડાબા કાનમાં ડ્રોપર વડે મેં પેલા પ્રવાહીનાં ત્રણ ટીપાં નાખ્યાં. ત્યાં જ એ પ્રવાહીના ચમત્કારથી ગાંધીબાપુના બાવલામાં જીવ આવ્યો.

  વર્ષોથી એક જ પોઝિશનમાં ઊભા રહેવાને કારણે અકળાઈ ગયેલું શરીર છૂટું કરતાં તેમણે આળસ મરડી હાથ લાંબા-ટૂંકા કરવા જતાં તેમના હાથમાંની લાકડી નીચે પડી ગઈ. એ લાકડી ઊંચકી તેમના હાથમાં મૂકતાં મેં કહ્યું, 'બાપુ, લો તમારી આ લાકડી...'

  'હવે લાકડી નહીં, બંદૂક લાવ...' બાપુ સખ્ત અવાજે બોલ્યા.

****


    આવી જ રીતે 'એક ક્રિકેટરનો પ્રેમપત્ર'માં ક્રિકેટર કેવી રીતે પત્રની શરૂઆત કરે છે એ જુઓ, :)

****

  ડિઅર શીલુ,

      બે નંબરના બસ-સ્ટોપ પર ક્યાંય સુધી ફિલ્ડિગ ભરતો ઊભો રહ્યો. તું ન આવી એટલે વરસાદ પડ્યા પછીની 'પીચ' જેવો ખરાબ મૂડ લઈને ઘેર આવ્યો અને 'લૉંગ ઓફ'માં ઊભેલા મામાની નજર ચૂકાવીને મામીએ તારો પત્ર મારા હાથમાં મૂક્યો.

    મને ડ્રોપ કરીને પેલા સિતાંશુ સાથે તું પરણવા માગે છે એ જાણ્યું. નેટ પ્રેક્ટિસ મારી સાથે ને મૅચ કોઈ બીજા જ સાથે ?

****


    'કવિતા અને વિજ્ઞાપન' લેખમાં એમણે જો કવિઓ વિજ્ઞાપનો લખે તો?, એવી કલ્પના કરીને અદ્ભૂત હાસ્યસભર જાહેરાતો લખી છે, અમુક અંશો,

****

    'મરીઝ' ગાળીને એમાં જ પી રહ્યા છે શરાબ,

    કદી ન પીવાની વાળી'તી જે રૂમાલમાં ગાંઠ...

-- દરેક વેરાયટીના હાથરૂમાલ માટે યાદ રાખો - વિનસ બ્રાન્ડ રૂમાલ.



    મેં મારામાં 

    તારી લાગણીનો મંડપ રોપાવ્યો,

    મને શું ખબર કે 

   તું મંડપ કોન્ટ્રાકટર હોઈશ !

        - દિનેશ જેઠવા 

-- તમારી  આતુરતાનો અંત આણે છે. - વીર માંડવાવાળો 

100 ટકા કરમુક્ત ગુજરાતી ચિત્ર,

નહીં જોઈને પસ્તાવા કરતાં જોઈને પસ્તાવાનું રખે ચૂકતા.



    અપના ઘર ભી મિલતા જુલતા હૈ ગાલિબકે ઘરસે,

    દો ઘંટા બરસાત જો બરસે, છ ઘંટા છત બરસે...

        - આદિલ 

-- મજબૂત બાંધકામનો આગ્રહ હોય તો શૅક્સ્પિયર હાઉસિંગ કોર્પોરેશનમાં સત્વરે જોડાઈ જાઓ. જૂજ ફ્લૅટો બાકી છે. 

****


    'કૂતરાથી સાવધાન'માં તેઓ કહે છે,

****

   સિંહ કરતાંય વધુ બીક મને કૂતરાની લાગે છે. એક વાર ગીરના જંગલમાં સામી છાતીએ. સિંહથી માત્ર અઢી ફૂટના અંતરે હું ઊભો હતો. જોકે સાથે ભરી બંદૂકે ચોકિયાત ઊભો હતો, પણ એ તો સિંહના રક્ષણ માટે હતો. સિંહને જોઈને મારું રૂંવાડુંય ફરક્યું નહોતું. હા, સિંહ થોડો અસ્વસ્થ જણાતો હતો.

   પણ કૂતરાને જોતાં જ મારા મોતિયા મરી જાય છે. મને કૂતરા તરફ છે એટલો જ, કદાચ એથી પણ વધુ અણગમો તેમને મારા તરફ હોવો જોઈએ, કેમ કે મને જોતાં જ કરડી શકતા નથી એ કુતરા ભસવા માંડે છે ને ભસતાં નથી આવડતું એ સીધા કરડવા ધસી આવે છે. એક વાર મેં એક જ્યોતિષ-મિત્રને મારી કુંડળી બતાવી આનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે એને માટે તમારી જ નહિ, શ્વાનની કુંડળી પણ જોવી પડે, કોણ કોને નડે છે એ તો બન્નેના ગ્રહો સાથે જોઈએ ત્યારે જ ખબર પડે.

****

    પુસ્તકના બધા લેખોમાં એમની રેન્જ સરસ પકડાઈ છે, તીવ્ર 'વિનોદ'વૃત્તિમાં રસબોળ આ પુસ્તકમાં એમણે વ્યક્તિચિત્રો, કટાક્ષ, સમાજજીવન, માર્મિકતા બધુ આવરી લીધું છે. આ પુસ્તકના ચાખણા પછી તો એમના બાકીના બધા જ પુસ્તકો વાંચવાની ભૂખ વધુ તીવ્ર બની છે. હાસ્યથી હળવાશ મેળવવા માટે જરૂર વાંચવા લાયક.

Sunday, January 31, 2021

સ્કોટલેન્ડ, સુરત અને સ્તંભ !

    64 પોર્ટ ડુંદાસ, ગ્લાસગો, સ્કોટલેન્ડના સરનામે ઈ.સ. 1858 માં જ્યોર્જ સ્મિથ નામક વ્યક્તિએ એક લુહારીકામનું કારખાનુ શરુ કર્યું હતુ. જે 'સન ફાઉન્ડ્રી' ના નામે પણ ઓળખાતું. એમાં કળાત્મક લોખંડના દરવાજા, રેલિંગ્સ, બૅન્ડસ્ટેન્ડ (ચોતરો) અને એમની ખાસ ઓળખાણ ગણાતા નક્શીકામવાળા ફુવારા બનાવવામાં આવતા. મૂળમાલિકના નામે આ કારખાનું ઈ.સ. 1899 સુધી કાર્યરત રહ્યું. અને આ સમયગાળા દરમિયાન એમના કળાત્મક નમૂનાઓ દેશદેશાવરમાં પ્રચલિત થઈ ગયા હતા અને અનેક જાણીતી જગ્યાઓને શોભાયમાન કરી રહ્યા હતા. પેસલી, બ્રિજટન, ડોર્નોચ અને ન્યુક્રેઇગલ જેવા સ્કોટલેન્ડના અનેક વિસ્તારોમાં આવેલા બગીચાઓ, કબ્રસ્તાનો અને અન્ય જાહેર સ્થળોએ એમના પીવાના પાણીના ફુવારા, ચોતરાઓ, ક્લોક ટાવર, સ્તંભો, લેમ્પ પોસ્ટ્સ અને દરવાજાઓ મુકવામાં આવ્યા હતા.

પોર્ટ ડુંદાસ, ગ્લાસગો (સૌજન્ય: વિકિપીડિયા)

*


*

*


    આ બાજુ ઈ.સ 1616 માં સુરતમાં પોતાની પહેલી ટ્રેડ પોસ્ટ ખોલનારા અને ઈ.સ 1825 સુધી વેપાર ચલાવનારા ડચ લોકોએ બનાવેલ ડચ ગાર્ડન.જે આમ તો વ્યવસાયિક હેતુસર સુરત આવેલા ડચ અધિકારીઓને શ્રધ્ધાંજલી આપવા માટે બનાવવામાં આવેલ એવું માનવામાં આવે છે. જે હવે દયાળજી બાગ તરીકે ઓળખાય છે. જ્યાં લોકો વૉક કરવા અને નદી કિનારાનું દશ્ય માણવા આવતા હોય છે. ત્યાં નીચે ફોટામાં દેખાય છે એવા લેમ્પ પોસ્ટ્સ હજી મોજુદ છે.

દયાળજી બાગ (ડચ ગાર્ડન), સુરતમાં આવેલ લેમ્પ પોસ્ટ..


.. અને એના ઉપર કોતરેલ કંપનીનું નામ 'GEORGE SMITH & CO.'



અને આ લેમ્પ પોસ્ટ્સ પર લખેલ નામ એ સૂચવે છે કે એ પણ પેલી ગ્લાસગોમાં આવેલ 'સન ફાઉન્ડ્રી' (કે પછી 'GEORGE SMITH & CO.') ની પ્રોડક્ટ છે ! હવે પછી બાગમાં જાવ તો આ કમસે કમ એકાદ સદી જુના સ્તંભને જોવાનું ચુકતા નહિ. :-)

* વાળી તમામ તસ્વીરો 'SUN FOUNDRY' ના કળાત્મક નમુનાઓની એક ઝલક દર્શાવે છે. સૌજન્ય અને વધુ જોવા માટે: https://memorialdrinkingfountains.wordpress.com/category/sun-foundry/page/9/ 

Sunday, February 11, 2018

ઘરે ઘરે ગ્રંથ ગોષ્ઠિ વિથ શ્રી સૌરભ શાહ.

આગલે દિવસે મળેલા સમાચાર પ્રમાણે જ્યારે અમે પુના થી મુંબઇ ની ટ્રેન મુસાફરી શરૂ કરી ત્યારે, મારી કૃપા જોડે વાત થઈ કે આપણે લગભગ સાંજે ૬:૩૦ વાગ્યે સુરત પહોંચી જઈશું તો રાત્રે ૯:૦૦ વાગ્યે શરૂ થનારા બુક ગોષ્ઠી કાર્યક્રમ મા ભાગ લઈ શકાય એમ છે.
જો કે ભલું થજો ઉપરવાળાનું, અમે જ્યારે દાદર સ્ટેશને પહોંચ્યા ત્યારે ખબર પડી કે આજે અજમેર એક્સ્પ્રેક્ષ એક કલાક મોડો ઉપડશે.હવે અમે જ્યારે સાંજે ૬:૩૦ વાગ્યે સુરત પહોંચવાના હતા એની જગ્યાએ ૭:૩૦ થઈ ગયા.ઘરે પહોંચતા અને જમતા-કરતા ૮:૩૦ વાગી ચુક્યા હતા.મને એવું લાગતું હતું કે હવે પહોંચી વળાય એમ નથી.જો કે કૃપાએ કહ્યું કે, થોડા લેટ તો લેટ પણ જઈ તો શકાય જ ને, અને એમ કરી અમે લોકો ઘરથી નીકળ્યા.ઘર થી નીકળતા જ વોટ્સએપ મેસેજ મળ્યો કે, પ્રોગ્રામ લગભગ ૯:૩૦ એ શરૂ થશે ! અને આમ અમે બરાબર સમયે સ્થળ પર પહોંચી ગયા.આ બધી દોડધામમાં અમે કોઈ આગોતરી માહિતી મેળવી નહોતી કે પ્રોગ્રામ કોઈકના ઘસરે છે કે પછી કોઈ ઓડિટોરિયમમાં કે સોસાયટીના કોમન ગ્રાઉન્ડમાં? અને થયું એવું કે પ્રોગ્રામ સોસાયટીના ખુલ્લા ચોગાનમાં હતો, અને અમે લોકો કોઈ પણ જાતના ગરમ કપડાં જોડે રાખ્યા નહોતા !


પ્રોગ્રામના યજમાન એવા નિલેશભાઈ પટેલે પોતાનો અને સૌરભ સર નો ટૂંકમાં પરિચય આપીને સૌરભ સરને આગળનો કારભાર સંભાળવા વિનંતી કરી.સૌરભ સરે 'બુક ગોષ્ઠી' ના ભૂતકાળમાં થયેલા કાર્યક્રમો અને આ વખતે આ કાર્યક્રમો કરવા માટેના તેમના મનોભાવો વ્યક્ત કર્યા.ત્યારબાદ તેમણે એ દિવસના ટોપિક 'પદ્માવત અને એવી ફિલ્મો' વિશે પોતાના અભિપ્રાયો આપતી વખતે ફેસબુક લાઈવ પણ ચાલુ કરાવ્યું.અને ત્યારબાદ ત્યાં ઉપસ્થિત લોકો એ પોતાના મંતવ્યો અને સવાલો રજૂ કર્યા, જે ગોષ્ઠી આ લિંક પરથી પણ જોઈ શકાશે.







આ ટોપિક પર ડિસ્કશન/ગોષ્ઠી પુરી થયા બાદ,એમણે બધા ઉપસ્થિતો જોડે પર્સનલી ઓળખાણ કરતાં હોય એ રીતે હાથ મિલાવી ટૂંકમાં પરિચય લીધો.એમના પુસ્તકો સારાં એવા વળતર સાથે ત્યાં ઉપલબ્ધ હતા. અમે પણ અમારા ગજવામાં જેટલી રોકડ રકમ હતી એના હિસાબે લાભ લઇ જ લીધો :).  ત્યારબાદ એ પુસ્તકોમાંથી અમુક પુસ્તકો પર સૌરભ સર ના હસ્તાક્ષર લીધાં.અને પછી એમની જોડે પૂનામાં એમના બુક-ગોષ્ઠી ના કાર્યક્રમ, 'સર સર સરલા' નાટકના આવનારા શોઝ, ગુજરાતીમાં ગુડરીડઝ જેવી વેબસાઈટસ થી લઈ વિનય ખત્રી કે અંકિત દેસાઈ જેવા વિવિધ વ્યક્તિઓ અને વિષયો પર ટુંકમાં ચર્ચા આટોપી એક-બે મજેદાર ફોટાઓ લઈ અમે સૌરભ સર અને મેધાબેન ની રજા લીધી.

Sunday, November 12, 2017

વાઇસરોય'સ હાઉસ...



ફિલ્મો સબજેક્ટિવ લાગતી હોય, દરેક જોયેલી ફિલ્મો વિશે લંબાણમાં લખવાનું હું ટાળુ છું.જો કે ઘણા સમયે અમુક એવી ફિલ્મો પણ આવતી રહે છે જેના વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા વગર રહી પણ નથી શકાતું. તાજેતરમાં આવી જ એક ફિલ્મ જોઈ-- "વાઇસરોય'સ હાઉસ". આમ તો ફિલ્મો થિએટર માં જોવાનું વધારે પસંદ હોવા છતાં આ ફિલ્મ પેરિસ થી મુંબઇ ની સાડા આઠ કલાક લાંબી હવાઈ મુસાફરી દરમિયાન એર ફ્રાંસ ના હવાઈ જહાજમાં જોઈ. અને યોગાનુયોગે જ્યારે આ લખવાની શરૂઆત કરી ત્યારે પ્લેન પાકિસ્તાન ઉપરથી જ પસાર થઈ રહ્યું હતું.

ફિલ્મ આમ તો માનવ ઇતિહાસની સૌથી મોટી માઇગ્રેશન ની ઘટના એવી ભારત-પાકિસ્તાન ના વિભાજન સમય ની છે.(જેમાં ૧૪ મિલિયન લોકો એ સ્થનાતર કરવું પડ્યું હતું અને ૧ મિલિયન લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો હતો.)
ગાંધી ફિલ્મ પાછી જો કોઈ ફિલ્મ જેમાં આ પૃષ્ઠભૂમિ સૌથી સરસ રીતે બતાવવામાં આવી હોઇ તો એ આ ફિલ્મ છે.

ફિલ્મમાં મુખ્ય પાત્ર ભારત ના છેલ્લા બ્રિટિશ વાઇસરોય 'લોર્ડ માઉન્ટબેટન' નું છે . જો કે ફિલ્મમાં ગાંધીજી, નહેરુ, ઝિંહા, રેડકલીફ જેવા અનેક પાત્રો અને એમની મનો:સ્થિતિ ની વાત છે. આ જાણીતા પાત્રો ઉપરાંત જીત કુમાર અને આલિયા નામના પાત્રોની ખુબ જ સુંદર પ્રેમ કહાની પણ છે.

ફિલ્મ જોયા પછી એ સમજાય છે કે આપણે કેટલી સહેલાય થી આપણી હાલની પરસ્થિતિ માટે માઉન્ટબેટનને, ગાંધીજીને, ઝિન્હા ને કે રેડકલીફ ને જવાબદાર ઠેરવી દેતા હોય છે. જ્યારે ફિલ્મમાં બે ખુબ જ વ્યાજબી કારણો આપવામાં આવ્યા છે. પહેલું કારણ એ સમયનું વર્લ્ડ પોલિટિકસ અને ખંધા ચર્ચિલ ના કાવા દાવા. બીજું અને સૌથી અગત્યનું કારણ, ભારતીય પ્રજાની એકજૂથ નહિ રહી શકવાની નિષ્ફળતા(કમજોરી).

ટેકનિકલી લખાણ થી લઇ ને બેકગ્રાઉન્ડ મ્યુઝીક સુધી ફૂલ માક્સ. (નીરજ કાબી થી લઈને દર્શન ઝરીવાલા સુધી એક એક ચડિયાતા એક્ટરો એ ખુબ જ દમદાર અભિનય કર્યો છે.) અને ફિલ્મ આમ તો બાયોગ્રાફી છે જેના રેફરન્સ તરીકે બે પુસ્તકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે#૧.

આખરમાં ગુરીન્દર ચઢ્ઢા જેમણે આ ફિલ્મ ડાયરેક્ટ કરી એમની પોતાની દાદી ના અને એમની ફેમિલી ના એ સમયના સંસ્મરણો પણ આલેખ્યા છે.


#૧
- "freedom at midnight" by Larry Collins and Dominique Lapierre.
- "The Shadow Of The Great Game-The untold story of partition" by Narendra Singh Sarila.

Sunday, April 9, 2017

મધ્ય ગુજરાત ના પક્ષીઓ : ભાગ ૪ : નીલ કૂકડી / નીલ જળમુરઘો

અંગ્રેજી નામ : Purple Swamphen / Grey-headed Swamphen
શાસ્ત્રીય નામ : Porphrio porphyrio
ગુજરાતી નામ : નીલ કૂકડી / નીલ જળમુરઘો

મરઘી ને પક્ષી કહેવું કે કેમ? નીલ કૂકડી ને જોયાં પહેલાં જો કે આવા રંગ - રૂપ વાળી મરઘી જોઈ નહોતી. એવું લાગ્યું જાણે કોઈ બીજા ગ્રહની મરઘી જોઈ રહ્યા છે.




    નીલકુકડી આમ તો જલકુકડી/જલમૂરઘી ની પેટાજાતી ગણી શકાય. એની ઘણી બધી પેટાજાતીઓ છે. લગભગ ૨૨, જેમાથી ૧૨ તો નાશ:પ્રાય છે અને બાકીની ૧૦  માં નીલકુકડીનો સમાવેશ થાય છે.પ્રજાતિઓમાં મોટાભાગે પીંછાનો રંગ જૂદો હોય છે. જો કે, આ Taxonomy માં ઘણાં ફેરફારો થઈ ચૂક્યાં છે, છેલ્લે ૨૦૧૫ ના અપડેટ પ્રમાણે, પહેલા આ પક્ષીનુ અંગ્રેજી નામ 'Purple Moorhen' હતું જે બદલાયને 'Purple Swamphen' થયું અને ત્યારબાદ ૨૦૧૫ માં 'Grey-headed Swamphen' થયું. (રેફરન્સ : http://ebird.org/content/india/news/2015-taxonomy-indian-birds/).




    નીલકુકડી જેવી જ એક પ્રજાતિ જે ફ્રાંન્સમા જોવા મળે છે, એના ફ્રેંન્ચ નામ ઉપરથી આ પક્ષી ને 'સુલતાના બર્ડ' તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રોમન સામાૃજયમાં આ પક્ષીને મોટા ઘરમાં કે મહેલોના સુશોભન માટે બગીચાઓના તળાવમાં રાખવામાં આવતા, એવો ઉલ્લેખ પણ છે.  

    આ મરઘીના કદનું પક્ષી મરઘા કે કુકડાની જેમ જ મોટો અને કકૅશ અવાજ ધરાવે છે,ખાસ કરીને એમની બ્રીડિંગ સિઝન દરમિયાન. જો કે મરઘીની જેમ ઉડવામાં પાવરઘું નહી હોવા છતાં આ પક્ષી ઘણી લાંબા અંતર સુધી ઊડાનો ભરી શકે છે. અને તરવામાં મદદરૂપ થઈ શકે એવા પડદીવાળા પંજા નહી હોવા છતાં તરવામાં એ કુશળ છે. 




    રહેઠાણ માટે આ પક્ષી જે વિસ્તારમાં સારો એવો વરસાદ થતો હોય એવો વિસ્તાર વધુ પસંદ કરે છે. મોટા ભાગે તળાવના કિનારે કે પછી એવી ભેજવાળી પોચી જમીન ની આસપાસ જોવા મળે છે. 

    નીલકુકડી જોડીમાં અને નાના ટોળા મા રહેવાનું પસંદ કરે છે. કાદવ કીચડ વાળી જમીનમાં ખોરાક શોધતા કે પછી તળાવમાં તરતા આ પક્ષી જોય શકાય છે. 





    નીલકુકડી ૩ થી ૪ ઈંડા મૂકે છે. માળો મોટેભાગે ઘાસથી બનાવેલ હોય છે જે પાણી ઉપર ઉગતા ઘાસથી બનાવેલ હોય છે. નર અને માદા બંને ઈંડાને લગભગ ૨૩ થી ૨૭  દિવસો સુધી ઈંડાને શેવે છે. ત્યારબાદ ઈંડા માથી નીકળેલા બચ્ચાને ૧૦ થી ૧૪ દિવસો સુધી માળામાં રાખે છે અને આ દરમિયાન એમના માતા-પિતા અને અન્ય ટોળાના સદસ્યો એમને ખોરાક પૂરો પાડે છે.


   ખોરાકમાં મુખ્યત્વે કુમળુ ઘાસ અને અન્ય વનસ્પતિઓ હોય છે. જો કે આમ તો, એવું પણ માનવામાં આવે છે કે નીલકુકડીની ઘણીખરી પ્રજાતિ  અળસિયા, બતકના ઈંડાં, બતકના બચ્ચા તથા નાની માછલીઓ પણ ખાય છે. જો કે આના વિશે પુખ્તા સાબિતીઓ નથી એવું કહેવામાં આવે છે. 

આ પક્ષી વિશે હવે પછીના પ્રવાસોમાં થોડુ વધારે રીસર્ચ/શોધ સંશોધન કરવાની ઈચ્છા જરૂર છે. :) 

(સંકલન : કૃપા દેસાઈ)

Wednesday, March 1, 2017

મધ્ય ગુજરાત ના પક્ષીઓ : ભાગ ૩ : ટીટોડી

અંગ્રેજી નામ : Red Wattled Lapwing
શાસ્ત્રીય નામ : Vanellus indicus
ગુજરાતી નામ : ટીટોડી


    જયારે અમે આ ફોટાઓ લઇ રહ્યા હતા ત્યારે આ પક્ષીના નામ વિશે કઈ જ ખબર નહોતી. પછી જ્યારે ધ્યાનથી અવાજ સાંભળ્યો , ત્યારે થયું કે શું આ જ ટીટોડી નાં નામે ઓળખાતું પક્ષી હશે ? જોવા જેવી વાત એ છે કે ટીટોડી નાં નામથી આમ તો આપણે  બધા જ પરિચિત છીએ. હા, પેલા દર ચોમાસા પહેલાના છાપાઓમાં આવતા અહેવાલોના કારણે જ તો . જો કે આ અહેવાલોમાં ટીટોડીના ઈંડાની વાતો જ હોય છે અને એ ઈંડાની સ્થિતિ પ્રમાણે કરવામાં આવતી ભવિષ્યવાણી , કે આ વર્ષે ચોમાસું કેવું રહેશે. જો આ લોકો ઈંડાની સાથો સાથ આ પક્ષીનો ફોટો પણ છાપતા હોત તો આપણે આ રાખોડી અને સફેદ રંગના પક્ષીના રંગરૂપ થી પણ પરિચિત હોત.



   ખેર, ઈંડાને લગતી માન્યતાઓ પણ ઘણી છે.જેમ કે એક માન્યતા અનુસાર જો ટીટોડી ઊંચાણ વાળી જગ્યા એ ઈંડા મુકે તો ચોમાસું સારું અને જો નીચાણ વાળા પ્રદેશમાં મુકે તો ચોમાસું ખરાબ જવાના એધાણ છે એમ સમજવું. બીજી એક માન્યતા ઈંડાની પોઝીશનને લઈને છે, કે જો ટીટોડી ઉભા ઈંડા મુકે તો ચોમાસામાં મેધરાજાની મહેર સારી રહે અને જો આડા ઈંડા મુકે તો મેઘરાજા રીસાણા.




    હવે મૂળ વાત, આ પક્ષીનું કદ ૧૫ થી ૧૬ ઇંચ જેટલું હોય છે. નર અને માદા દેખાવે સરખા જ હોય છે.ચાંચ અને આંખ ની ઉપર લાલ રંગ, માથાની ઉપર અને નીચે કાળા રંગનો પટ્ટો અને એની વચ્ચે સફેદ રંગનો પટ્ટો હોય છે.પાંખો રાખોડી રંગની જ્યારે પાતળા અને બીજા પક્ષીઓના પ્રમાણમાં લાંબા એવા પગ પીળા રંગના હોય છે. નર અને માદામાં ફક્ત એક તફાવત એ કે, નરની પાંખો માદા કરતા ૫% જેટલી લાંબી હોય છે.






    ટીટોડી નાં ખોરાકમાં પણ મુખ્યત્વે કીડી-મંકોડા જ છે અને એવું પણ માનવામાં આવે છે કે એ દિવસની સાથોસાથ રાત્રીના સમયે ખોરાક માટે નીકળે છે અને પૂર્ણિમાના દિવસો દરમિયાન વધુ ગતિશીલ હોય છે.
  
    ટીટોડી આમ તો ધીમી ગતિ એ ચાલતું અને ઉડતું પક્ષી છે . પરતું જ્યારે ખુદ ને બાઝ્ જેવા પક્ષીઓના હુમલાથી બચાવવાનું હોય ત્યારે ખુબ ચપળતા બતાવતું હોય છે. અને દિવસ હોય કે રાત, એ સૌથી સાવધ રહેતું પક્ષી પણ છે અને એથી જ ઘુસણખોરોને સૌથી પહેલા ઓળખી કાઢે છે અને ચીચીયારો કરી ને અવાજ રૂપી અલાર્મ પણ વગાડે છે.અને એટલે જ શિકારીઓ આ પક્ષીને ન્યુસન્સ માનતા હોય છે.

   ઈંડાનું સંવનન નર અને માદા બંને કરે છે. અને ઈંડા નો રંગ પણ આછો કથથઈ, જમીન ના રંગ જેવો, અને આથી જ આ પક્ષી માળો નથી બનાવતું. ઈંડાની સંખ્યા ૩ થી ૪ હોય છે અને ૨૪ થી ૩૦ દિવસમાં ઈંડાનું સંવનન પૂર્ણ થાય છે. અને બીજા lapwings પક્ષીઓની જેમ જ પોતાના પીંછામાં પાણી ભરીને પોતાના બચ્ચાને પીવડાવે છે અથવા ગરમી વધુ હોય ત્યારે ઈંડા પાસે ઠંડક જાળવવા માટે પણ પાણીનો ઉપયોગ કરે છે.


    ટીટોડી તળાવો, ખેડાયેલા ખેતરો તથા ખુલ્લા મેદાનોમાં જોવા મળે છે.પાણીમાં નહાવાનું એમને પસંદ છે. મોટાભાગનો સમય જમીન પર પોતાની ચાંચ વડે પીછા ખોતરવામાં (preening) કે પછી એક પગ પર આરામ ફરમાવામાં વિતાવે છે.
  


@ the end :

ટીટોડી પર અધીર અમદાવાદીનો  હાસ્ય લેખ: "ટીટોડી ઈંડા ક્યાં મૂકે એ એની મુન્સફીનો વિષય છે" :)
------------------------

Wednesday, February 1, 2017

મધ્ય ગુજરાત ના પક્ષીઓ : ભાગ ૨ : નાનો પંતરંગો / પંતરંગીયો

અંગ્રેજી નામ : Green Bee-Eater
શાસ્ત્રીય નામ : Merops orientallis
ગુજરાતી નામ : નાનો પંતરંગો / પંતરંગીયો


    આ ચકલીના કુળના પક્ષીનું ગુજરાતી નામ તો મને ઝટ જડ્યું નહિ અને જડ્યું ત્યારે થયું કે 'નાનો પંતરંગો' એવું નામ શા માટે હશે? જો નાનો પંતરંગો હોય તો મોટો પંતરંગો પણ હોવો જોઈએ? એ હિસાબે તો મને 'પંતરંગીયો' નામ વધારે અનુકુળ લાગ્યું , જો કે ઘણી જગ્યાએ 'નાનો પંતરંગો' તરીકે જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એને મરાઠીમાં 'वेडा राघू' અને નેપાળીમાં 'मुरली चरा' તરીકે ઓળખવામાં આવે છે.

Green bee-eater (નાનો પંતરંગો )


    આ પક્ષીનો પહેલવહેલો ઉલ્લેખ બ્રિટીશ પક્ષીશાસ્ત્રી જ્હોન લેથમ એ ઈ.સ ૧૮૦૧ માં કરેલ. આ પક્ષીની ઘણી પેટાજાતિઓમાંથી ભારત અને શ્રીલંકામાં મુખ્યત્વે orientallis જાતિના પક્ષીઓ જોવા મળે છે. એની લંબાઈ ૯-૧૦ ઇંચ જેટલી હોય છે,જેમાં બે પાંખોની વચે આવેલ ૧ થી ૨ ઇંચ લાંબી પાતળી દાંડી જેવા પીંછાનો પણ સમાવેશ થાય છે.



    ખોરાકમાં એના અંગ્રેજી નામ મુજબ મુખ્યત્વે ઉડતી જીવાતો છે.તદુપરાંત કીડી,મંકોડા અને માખી પણ ખાય છે.મોટાભાગે ફેન્સીંગ તથા ઈલેક્ટ્રીક તાર પર બેઠા બેઠા અવલોકન કરતુ હોય છે, અને જેવો ચાન્સ મળે એકાદ મીટર કે તેથી ઓછી ઉચાઈએથી ડાઈવ લગાવી ને ઉડતી જીવાતોને પોતાનો શિકાર બનાવે છે.




   પંતરંગો આમ તો ખેતરો કે ઝાડી ઝાંખરા વાળા મેદાનો ની આસપાસ વધુ જોવા મળે છે અને અન્ય પક્ષીઓ કરતા અલગ એમ પાણીના સ્રોતો કરતા દુર પણ જોવા મળે છે. પંતરંગો અન્ય પક્ષીઓ કરતા અલગ એ રીતે પણ છે કે એ પોતાનો એકલાહાથે માળો નથી બનાવતું, એની જગ્યાએ અન્ય પંતરંગો જોડે મળીને નહેર કે અન્ય જમીનમાં બખોલ બનાવે છે અને એમાં લગભગ ૩ થી ૫ ઈંડા મુકે  છે. ઈંડા નું સંવનન નર અને માદા એમ બંને કરે છે. નર અને માદા બંને દેખાવે પણ લગભગ સરખા જ હોય છે.

   એક રીસર્ચ પ્રમાણે પંતરંગો એ સમજી શકે છે કોઈક એનો પીછો કરી રહયું છે અને એ માટે એ પોતાના માળા/બખોલ તરફ જવાનો રસ્તો બદલીને તમને અવળે રસ્તે ચડવાનો પ્રયાસ કરી શકે છે.

  આ ફોટાઓ મેં અને મોહિતે જોળ ગામ જતી વખતે કે ત્યાંથી આવતી વખતે રસ્તામાં લીધેલા હતા. જોકે એ પેહલી વખત હોવાથી અમને બર્ડીગ કે એને લગતા કેમેરા સેટિંગ્સ નો કોઈ પ્રેક્ટીકલ મહાવરો નહતો. કદાચ ISO એટલે શું અને એ કેમ સેટ કરવું એ પણ ખબર નહતી.જોકે આજે પણ પરિસ્થિતિ કઈ વધુ પડતી સારી તો નથીજ..!! :) :)

Sunday, January 1, 2017

મધ્ય ગુજરાત ના પક્ષીઓ : ભાગ ૧ : કાળો કોશી


તાજેતર માં ફેસબુક એ મારી 5 વર્ષ પહેલાની મેમરીમાં નીચેની ઇમેજ બતાવી,





અને એની સાથોસાથ વર્ષો પહેલાનો એ શોખ જાણે અચાનક જાગી ઉઠ્યો. બળતામાં ઘી ઉમેરવાનું કામ કૃપા એ બર્થ-ડે ગિફ્ટમાં Canon Powershot SX 60HS આપીને કર્યું. જેના માટે હું ઘણા વર્ષો થી રાહ જોતો હતો એ એડવાન્સ પોઇન્ટ એન્ડ શૂટ કેમેરો આખરે હાથ માં આવ્યો. તો પછી નક્કી કરવામાં આવ્યું કે ચાલો 5 વર્ષ પહેલા કરેલા એ બર્ડ વોચીંગ એક્સપિરિયન્સ ને થોડી માહિતી સાથે અહીં શેર કરીએ તો પેશ-એ-ખિદમત  મૈં હૈ  'મધ્ય ગુજરાત ના પક્ષીઓ' સિરીઝ...

અંગ્રેજી નામ : Black Dronjo
શાસ્ત્રીય નામ : Dicrurus macrocercus
ગુજરાતી નામ : કાળો કોશી

શરૂઆત મારા પર્સનલ ફેવરિટ પક્ષી "બ્લેક ડ્રોન્જો" થી કરીએ. રૂપ રંગ કરતાં મને એની છટા અને લક્ષણો વધુ પસંદ છે. એના લક્ષણો નો ખ્યાલ એના અનેકવિધ નામો પરથી આવી શકે એમ છે, જેમ કે, 'કાળો કોશી', 'પોલીસ', 'પટેલ', भुजंगा’, ‘कोतवाल’, 'Black Dronjo', 'King Crow', ‘भारत अंगारक’ વગેરે. સૌથી નીડર પક્ષીઓમાં એનો સમાવેશ થાય છે. તમે એની ઘણી નજીક જઈ શકો છો એ એટલી જલ્દી ઉડશે નહિ.

Black Dronjo (કાળો કોશી)


    સૌથી લડાયક હોવા છતાં એ પોતાનાથી નાના કે નબળા પક્ષીઓ પર હુમલો નથી કરતુ. અને જ્યારે રક્ષણના મામલામાં એ પોતાનાથી સવાયા પક્ષીઓ જેવા કે સમડી, બાઝ સાથે બાઠ ભીડવાથી પણ નથી ખચકાતું. એના આ ગુણના કારણે એનાથી નાના પક્ષીઓ પોતાનો માળો 'બ્લેક ડ્રોન્જો' ના માળાની આસપાસ બનાવવાનું પસંદ કરે છે.એના ખોરાક માં મુખ્યત્વે નાની જીવાતો છે. એની પૂંછડી બાકી પક્ષીઓથી ઘણી અલગ, બે ફાંટામાં વહેંચાયેલી હોય છે, અંગ્રેજી મૂળાક્ષર V આકારની...

અંગ્રેજી મૂળાક્ષર V આકારની પૂંછડી...


    'બ્લેક ડ્રોન્જો' ના  આ ફોટોઓ  મેં અને મોહિતે વિદ્યાનગર થી વડતાલ જતાં રસ્તામાં જોળ ગામ પાસે એક તળાવ નજીક પાડેલ છે. જો કે 'બ્લેક ડ્રોન્જો' ભારતમાં સર્વત્ર જોવા મળે છે અને લગભગ દશેક પ્રજાતિઓમાં જોવા મળે છે. 

मैने तो सीखा यारों काँटों से दिल लगाना... 



     'બ્લેક ડ્રોન્જો' પર ઘણું લખી શકાય એમ છે, પણ એ દરેક બાબત ને આવરી લેતો ખુબ જ સરસ આ લેખ મને રીડગુજરાતી પર મળ્યો છે. અચૂક વાંચવા લાયક.